Gujarat

વેકેશનમાં માતાપિતાના સમયના અભાવે બાળકોમાં વધ્યો એકલતાનો તણાવ

સ્કૂલ વેકેશન દરમિયાન નોકરીયાત માતાપિતા સંતાનોને પૂરતો સમય ન આપી શકતાં બાળકો એકલતા અને માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં મણિનગર, થલતેજ અને વસ્ત્રાપુરમાં ત્રણ સગીરોએ ગુસ્સે થઈ તોડફોડ, ઘર છોડવાની અને આત્મહત્યાની ધમકી આપતાં 181 અભયમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ઘરમાં એકલો હોવાથી ખોટા વિચારો આવે છે વસ્ત્રાપુરમાં 16 વર્ષીય સગીરનાં માતાપિતા મોટી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરે છે. સગીરનું કહેવું હતું કે, માતાપિતા મને પ્રેમ કરતા નથી, ક્યાંય બહાર ફરવા લઈ જતા નથી. એકલો હોવાથી ખરાબ વિચારો આવે છે. અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું.

તમે નોકરી જશો તો હું ઘર છોડીને જતો રહીશ થલતેજનો 14 વર્ષીય સગીર વેકેશન દરમિયાન ઘરમાં એકલો રહેતા કંટાળી ગયો હતો. પિતાને ફોન કરીને કહ્યું કે, મારા માટે પાંચ મિનિટનો પણ સમય નથી, તમે અને મમ્મી નોકરી કરો. તમારી સાથે નથી રહેવું. ઘરમાં કંટાળી જવું છું. તમે નોકરી જશો તો હું ઘર છોડી દઈશ.

કોઈ વાત કરતું ન હોવાથી સગીરાને આઘાત લાગ્યો મણિનગરની 12 વર્ષની સગીરા વેકેશન દરમિયાન માતા-પિતાના વ્યસ્ત સમયપત્રકને કારણે એકલતા અનુભવતી હતી. પિતા એકાઉન્ટન્ટ અને માતા મેનેજર હોવાથી સગીરાને સમય આપી શકતા નહોતા. વાતચીતના અભાવે સગીરા માનસિક આઘાતમાં આવી અને ઉશ્કેરાઈને તોડફોડ કરતી.