જામનગર LCB પોલીસે ભલસાણગામની સીમમાંથી ₹1,39,390/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે વિવિધ બ્રાન્ડની કુલ 228 બોટલ જપ્ત કરી હતી. જોકે, મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટીયા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આ સફળતા મળી.
પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જામનગર તાલુકાના ભલસાણગામની ‘પાતડા સીમ’ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો જામનગરના પુનતીનગર વિસ્તારમાં રહેતા સન્નીભાઈ શંકરભાઈ વર્મા નામના શખ્સે ઉતાર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપી સન્ની વર્માને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

