રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે, રેન્જ ટીમે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં એક વાડીની ઓરડી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રૂ.10.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કાર્યવાહી રાજકોટ રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ દરોડા અંગે સ્થાનિક પોલીસને અંધારામાં રાખવામાં આવી હતી, જેથી કાર્યવાહીની ગુપ્તતા જળવાઈ રહી હતી.

રેન્જના પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પીએસઆઈ પી.એન. મોરી, પીએસઆઈ બી.સી. મીયાત્રા અને સ્ટાફના સભ્યોએ બાતમીદારો તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. સચોટ માહિતી મળ્યા બાદ પીએસઆઈ સી.એમ. કાંટેલીયાની ટીમે હેમરાજભાઈ શીવાભાઈ ભાલોડીયાની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન, પોલીસે ઘટનાસ્થળેથી રૂ.3,35,900 રોકડા, એક ઇકો કાર, ત્રણ મોટરસાયકલ અને આઠ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 10,25,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં હેમરાજભાઈ શીવાભાઈ ભાલોડીયા (રહે. લખતર), સુખાભાઈ મેઘજીભાઈ ઘેટીયા (રહે. કેશિયા), કાન્તીભાઇ ગંગારામભાઇ સંતોકી (રહે. વાંકીયા), પ્રવીણભાઈ અમૃતભાઈ નીમાવત (રહે. ધ્રોલ), જીગ્નેશભાઇ મોહનભાઇ નાગપરા (રહે. ધ્રોલ), નીલેશભાઈ ગીરધરભાઇ ભીમાણી (રહે. વાંકીયા), અજયભાઇ મનજીભાઇ ગોદવાણી (રહે. કેશિયા), નરભેરામભાઈ ટપુભાઇ ગડારા (રહે. વાંકીયા) અને લાભુભારતી બચુભારતી ગોસાઈ (રહે. કેશિયા) નો સમાવેશ થાય છે.

