જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. આ કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગે દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવ્યા છે, પરંતુ દીપડો હજુ પાંજરે પુરાયો નથી.
સૌપ્રથમ દીપડો જોવા મળ્યો ત્યારે તેના ફોટા વાયરલ થયા હતા. તે સમયે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો પકડાયો ન હતો. બાદમાં દીપડો અન્ય ગામ તરફ ગયો હોવાના અનુમાનથી પાંજરા હટાવી લેવાયા હતા. જોકે, દીપડાના સતત વાવડ મળતા રહેતા, હાલમાં અલગ અલગ ત્રણ સ્થળોએ ફરીથી પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
વન વિભાગના સંબંધિત અધિકારીએ જણાવ્યું કે, દીપડો પાંજરા સુધી આવતો નથી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ યથાવત્ છે. તેઓ દીપડાના હુમલાના ડર હેઠળ જીવી રહ્યા છે.

