પંચમહાલના હાલોલ ગ્રામ્ય પોલીસે અમરાપુરી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક કોતરમાંથી ₹1,54,068ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજા અને સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. જે.ડી. તરાલ સહિતની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે અમરાપુરી ગામનો રાકેશકુમાર છત્રસિંહ બારીયા ગામની સીમમાં આવેલા કોતરમાં વિદેશી દારૂ સંતાડીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવાની તૈયારીમાં છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કોતરમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થામાં વિવિધ બ્રાન્ડના દારૂ અને બિયરનો સમાવેશ થાય છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 750 મિલીલીટરની ગોવા સ્પિરિટ વ્હિસ્કીની 36 બોટલ (કિંમત ₹19,620), 500 મિલીલીટરના માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ બિયરના 624 કેન (કિંમત ₹85,488), 180 મિલીલીટરના ગોવા સ્પિરિટ વ્હિસ્કીના 384 પ્લાસ્ટિક ક્વાર્ટર (કિંમત ₹38,400) અને 180 મિલીલીટરના મેજિક મોમેન્ટ વ્હિસ્કીના 48 પ્લાસ્ટિક ક્વાર્ટર (કિંમત ₹10,560)નો સમાવેશ થાય છે.
કુલ 1,092 નંગ દારૂ અને બિયરની બોટલો તથા કેન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂ સંતાડીને વેચાણ માટે રાખનાર શખ્સની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

