Gujarat

સુરેન્દ્રનગરમાં મેઘો મહેરબાન; ધોળીધજા ડેમ ૯૦% ભરાયો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ

જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી મેઘો મહેરબાન થયો છે, લીંબડી અને સાયલામાં ૫ ઇંચ, જ્યારે લખતર, ચોટીલા અને ચુડામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

વઢવાણ, મૂળી, થાનગઢ, ધ્રાંગધ્રા અને દસાડામાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. એક તરફ વરસાદી પાણીની આવક અને બીજી તરફ નર્મદાની કેનાલો શરૂ કરી દેવાતા જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ તેની પૂર્ણ સપાટીની નજીક પહોંચતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ થયો છે. વઢવાણ મૂળી, થાનગઢ, ધાંગધ્રા, દસાડામાં પણ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેને લઇને જગતના તાતમાં ખુશીની લહેર જાેવા મળી છે. વરસાદી માહોલમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદાની કેનાલમાં પણ પાણી છોડવામાં આવ્યું છે. નર્મદાની કેનાલમાંથી પણ તળાવ અને નદીમાં પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે જેને લઇને સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ૯૦% પાણીથી ભરાઇ ગયો છે. સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન આ ડેમ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં પીવાનું પાણી પૂરું પાડે છે.

અવિરત વરસાદના કારણે સુરેન્દ્રનગરમાં શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી ૧૦થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. આ સિવાય લક્ષ્મીપરા, રામનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. વઢવાણ-મફતિયા પરા વિસ્તાર, ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં પણ વરસાદના પાણીથી પ્રભાવિત વિસ્તારો બન્યા છે.

ધોળીધજા ડેમની કુલ સપાટી ૨૧ ફૂટની છે ત્યારે હાલમાં ૧૯ ફૂટની પાણીની સપાટીથી ડેમ ભરાઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં ઓવરફ્લો થવાનો છે ત્યારે વઢવાણ, શિયાણી, વણોદ સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ૨૩ ગામમાં આ ડેમની કનેક્ટિવિટી છે ત્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે કોઈ જાનહાની ન સર્જાય તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.