Gujarat

મેંદરડા : વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ: ૨૫૦ ઓપીડી જેમાંથી ૭૦ ને ઓપરેશન માટે રાજકોટ લય જવાયા

મેંદરડા : વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ: ૨૫૦ ઓપીડી જેમાંથી ૭૦ ને ઓપરેશન માટે રાજકોટ લય જવાયા

નાથવાણી ચેરિ.ટ્રસ્ટ અને રણછોડ દાસજી બાપુ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્ર સાર્થક થયો

મેંદરડા, ૧૬ મે ૨૦૨૬: “માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના ભાગરૂપે જીલ્લા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આજે મેંદરડા ખાતે એક ભવ્ય અને સફળ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ અને નેત્રનિદાન સારવાર કેમ્પ (નેત્રયજ્ઞ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ-મેંદરડા દ્વારા આયોજિત અને સ્વ. ચંદુભાઈ દામોદરભાઈ ઉનડટ ના સ્મરણાર્થે હસ્તે અશોકભાઈ ચંદુભાઈ ઉનડકટ (શિવશક્તિ ફરસાણ-મેંદરડા) ના આર્થિક સહયોગથી યોજાયો હતો.આ સમગ્ર કેમ્પમાં શ્રી રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિષ્ણાંત તબીબોની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

દર્દીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ: ૨૫૦ ઓપીડી અને ૭૦ ઓપરેશન આ કેમ્પમાં મેંદરડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આંખની તકલીફ ધરાવતા દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કેમ્પ દરમ્યાન કુલ ૨૫૦ દર્દીઓની ઓપીડી (તપાસ) કરવામાં આવી હતી, જેમાં આંખના વિવિધ રોગો જેવા કે મોતીયો, ઝામર, વેલ, પરવાળા અને નાકસુર વગેરેનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.નિદાન બાદ તેમાંથી ૭૦ જેટલા મોતીયાના ઓપરેશન યોગ્ય દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ૭૦ દર્દીઓને સંસ્થાની ખાસ સ્પેશિયલ બસ દ્વારા વધુ સારવાર અને ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે.

તમામ સુવિધાઓ તદ્દન વિનામૂલ્યે:
કેમ્પમાં સેવા મેળવનાર દર્દીઓ માટે તમામ વ્યવસ્થા મફત રાખવામાં આવી છે, જેમાં:
જરૂરી દવાઓ તેમજ ચશ્માનું વિનામૂલ્યે વિતરણ.રાજકોટ ખાતે વિનામૂલ્યે નેત્રમણી (લેન્સ) સાથે આધુનિક ઓપરેશન.દર્દીઓ તેમજ તેમની સાથે આવેલા એક સહાયકને રાજકોટ જવા-આવવા માટે સ્પેશિયલ બસની સગવડ.રાજકોટ મુકામે રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા તદ્દન ફ્રી.ઓપરેશન બાદ તમામ દર્દીઓને સુરક્ષિત રીતે પરત મેંદરડા કેમ્પના સ્થળે મૂકી જવામાં આવશે.

દર મહિના ની ૧૬ તારીખે યોજાશે કેમ્પ:
અત્રે ઉલ્લેખનીય છે કે, નાથવાણી કોમ્યુનિટી હોલ (જલારામ મંદિર પાસે, મેંદરડા) ખાતે આ નેત્રનિદાન અને હોમીયોપેથી કેમ્પ દર મહિનાની ૧૬મી તારીખે નિયમિત રીતે યોજાય છે. આ ઉપરાંત દર ત્રણ મહિને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. જેની આગામી તારીખો ૧૬-૬-૨૦૨૬, ૧૬-૯-૨૦૨૬, ૧૬-૧૨-૨૦૨૬ અને ૧૬-૧-૨૦૨૭ નક્કી કરવામાં આવી છે.આજ ના આ કેમ્પને સફળ બનાવવા માટે નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓએ સંસ્થા અને દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ :: કમલેશ મહેતા મેંદરડા

IMG-20260516-WA0022-3.jpg IMG-20260516-WA0023-2.jpg IMG-20260516-WA0024-1.jpg IMG-20260516-WA0025-0.jpg