જામનગર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા એક ગુમ થયેલી મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા 181 હેલ્પલાઇનના સંયુક્ત પ્રયાસોથી આ શક્ય બન્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, 181 મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓએ મહિલાને આશ્રય આપી તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું.
કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના વતની છે. કૌટુંબિક ઝઘડાના કારણે તેઓ કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર આવી પહોંચ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ સઘન પ્રયાસો કરીને મહિલાના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનો જામનગર આવતા મહિલાને સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યા હતા. ગુમ થયેલી મહિલા પરત મળતાં પરિવારજનો ભાવુક થયા હતા અને સેન્ટરનો આભાર માન્યો હતો.

