ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનને રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્યશ્રી રિતેશ વસાવા સહિતના મહાનુભાવોએ રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ અને દુરંદેશી નેતૃત્વ હેઠળ આજે આપણો દેશ ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭‘ના સંકલ્પ સાથે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે. દેશમાં થયેલા મુખ્ય વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ આજે છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આવા પ્રદર્શનો નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની આ યાત્રામાં સહભાગી બનાવવા અને સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વિકસિત ભારતનો પાયો સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને નશામુક્ત સમાજ નિર્માણ પર ટકેલો છે, અને આ પ્રદર્શન તે દિશામાં સજાગતા લાવવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ છે.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પણ પ્રસંગને અનુરૂપ સંબોધન કરી નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની આ યાત્રામાં સહભાગી બનાવવા જણાવ્યું હતું.
ભરૂચ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં “વિકસિત ભારત જ્ર ૨૦૪૭”, “નશા મુક્ત ભારત અભિયાન” અને “સ્વચ્છતા હી સેવા” જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેતી આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યોજાયેલો ‘હેલ્થ એક્સ્પો’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમાં તબીબો દ્વારા નાગરિકોનું નિ:શુલ્ક બીપી-ડાયાબિટીસ સ્ક્રીનિંગ, લેબોરેટરી ટેસ્ટ, શારીરિક તપાસ અને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સરકારી આરોગ્ય યોજનાઓના લાભો અંગે સ્થળ પર જ નોંધણી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોષણ, રોગજાગૃતિ, ડિજિટલ હેલ્થ સેવાઓ અને પબ્લિક હેલ્થ ક્ષેત્રે થયેલા આધુનિક સંશોધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા, શ્રી રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખશ્રી દેવેન્દ્ર વસાવા સહિતના અન્ય મહાનુભાવો અને કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરતના ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવોએ પ્રદર્શન તથા હેલ્થ એક્સ્પોની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને સંકલિત આયોજનને બિરદાવ્યું હતું.

