દેશના વિકાસ અને ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ ‘વસ્તીગણતરી-2027’ પ્રક્રિયા ડિજિટલ સ્વરૂપે ચાલી રહી છે. ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ભારત સરકારના ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાનમાં ભાગ લીધો છે.
ગાંધીનગર ખાતેથી તેમણે ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાના પરિવારની વિગતો ડિજિટલ રીતે સબમિટ કરી હતી. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, 31 મે સુધી ચાલનારી આ પ્રક્રિયામાં સૌ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે.
મંત્રીએ ઉમેર્યું કે, ટેકનોલોજીના આ યુગમાં હવે સરકારી પ્રતિનિધિની રાહ જોયા વિના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ પર પોતાની સાચી વિગતો ભરી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વસ્તીગણતરીના ચોક્કસ આંકડા દેશની ભવિષ્યની યોજનાઓ અને નીતિઓ ઘડવામાં મદદરૂપ થાય છે. તેથી, દરેક પરિવારે ‘સ્વ-ગણતરી’ સુવિધાનો લાભ લઈને દેશના વિકાસ અને સશક્ત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવી જોઈએ.

મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડિજિટલ ઈન્ડિયાના આ કદમથી વસ્તીગણતરીની પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને પારદર્શક બનશે.

