રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પૂલનું 13 જૂનને શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ રૂ. 74.32 કરોડનાં ખર્ચે બનેલા આ બ્રિજને ખુલ્લો મુક્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ સમયે ટ્રાફિક પોલીસે જનતાને પૂલના છેડે રોકી રાખવામાં આવી હતી. હર્ષ સંઘવી પૂલની વિઝિટ કરતા હોવાથી ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. જોકે આ દૃશ્યો જોઈને નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવા સૂચના આપી હતી. નવા ફોરલેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ પહેલાં જે જૂનો બ્રિજ હતો તે ઘણો જૂનો હોવાથી ક્ષતિગ્રસ્ત હતો અને ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. જ્યારે આ નવો બ્રિજ આધુનિક સુવિધાઓ સાથે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે. પહેલાં આ બ્રિજ ટુ લેનનો હતો, જ્યારે હવે આ નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી સિવિલ હોસ્પિટલથી માધાપર ચોકડી તરફ જતા વાહનચાલકોને આ બ્રિજનો મોટો લાભ મળશે. આ બ્રિજ પરથી રોજ અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકો પસાર થતા હોય છે, જેમને હવે ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.

રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ ચાર્જ સંભાળ્યાનાં બીજા દિવસે 29 મેનાં રોજ આ બ્રિજની મુલાકાત લીધી હતી. જેમાં નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવા સહિત કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ-ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા, જેને લઈ યુદ્ધના ધોરણે ખામીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

રેલવે સ્પાનની વિગતો નવનિર્મિત 4 – લેન બ્રિજના રેલવે સ્પાનમાં 280 મે.ટન ના 7 – સ્ટીલ ગર્ડરનું રેલવે લાઈનના માત્ર 3 – કલાકના ટ્રાફિક બ્લોક દરમિયાન સફળતાપૂર્વક લોન્ચિંગની કામગીરી.
રેલવે ટ્રેકથી ઊંચાઈ: 6.25 મીટર
રેલવે સ્પાનની લંબાઈ: 37.20 મીટર
ભવિષ્યમાં વધારાના રેલવે ટ્રેક વિસ્તરણ માટેનું આયોજન થઈ શકે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત
સૌરાષ્ટ્રનો પ્રથમ રેલવે ઓવરબ્રિજ.
રાજકોટના તાત્કાલિક મેયર અરવિંદભાઈ મણિયારના કાર્યકાળમાં ગુજરાત સરકાર દ્વારા 2 – લેન ROB નું બાંધકામ.

