Gujarat

ખંભાળીયાની હોસ્પિટલમાં 19 સ્પેશિયાલીસ્ટ સહિત 28 તબીબ, વર્ષે 5 હજારથી વધુ સર્જરી

દેવભૂમિ દ્વારકા જેવા ચાર તાલુકાના નાનકડા જિલ્લાના વડા મથક ખંભાળીયાની સરકારી હોસ્પિટલ ખાસ કરી ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓ માટે સવિશેષ આર્શીવાદરૂપ બની રહી છે. અહીં સ્પેશ્યાલિસ્ટ તબીબોની સવલતો અને સુચારુ વ્યવસ્થાના કારણે વર્ષે 20 હજારથી વધુ દર્દીઓ સરકારી તબીબી સેવાઓનો લાભ લે છે.

હોસ્પિટલમાં દર મહિને 450થી વધુ નાના-મોટા ઓપરેશન થાય છે, જેના પગલે વર્ષે 5 હજારથી વધુ ઓપરેશન કરવામાં આવે છે. રાજ્યની મોટી હોસ્પિટલોમાં પણ જ્યારે સ્પેશ્યાલિસ્ટ તબીબોની જગ્યાઓ ખાલી જોવા મળે છે, ત્યારે ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં વર્ગ-1 અને વર્ગ-2ના 19 સ્પેશ્યાલિસ્ટ તબીબો કાર્યરત છે.

જેમાં આંખના સર્જન, દાંતના બે સર્જન, સુપર સર્જન, મહિલા રોગ વિશેષજ્ઞ, એનેસ્થેસિસ્ટ, જનરલ સર્જન, સ્કિન સ્પેશ્યાલિસ્ટ, ઈએનટી (નાક, કાન, ગળા) સ્પેશ્યાલિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયન સહિતના તબીબોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સામાન્ય રોગચાળાની તપાસ અને સારવાર માટે 9 એમબીબીએસ તબીબો પણ સેવા આપી રહ્યા છે.