Gujarat

સાંસદ પૂનમબેન માડમે વિપક્ષને ‘અવરોધ પક્ષ’ ગણાવ્યો

સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં સાંસદ પૂનમબેન માડમનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂનમબેને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

કાર્યક્રમમાં પૂનમબેન માડમે સંસદની કાર્યવાહીમાં વારંવાર ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. તેમણે કહ્યું, “લોકશાહીમાં વિરોધ પક્ષની ભૂમિકા રચનાત્મક હોવી જોઈએ, પરંતુ આજનો વિપક્ષ ‘વિરોધ પક્ષ’ નહીં, ‘અવરોધ પક્ષ’ બની ગયો છે.”

મહિલા અનામતના મુદ્દે પણ તેમણે કોંગ્રેસ અને વિપક્ષની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. સંવિધાનના ઘડતરને યાદ કરતાં પૂનમબેને ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર બંધારણ સભાના યોગદાનને વંદન કર્યા હતા.

અંતમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે દરેક નાગરિકે બંધારણે આપેલા અધિકારોની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પણ નિષ્ઠાથી નિભાવવી જોઈએ. તેમણે યુવાનોને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.