Gujarat

ESICની 887થી વધુ બેઠકો અનામત, અમદાવાદમાં MBBSની 25 સીટ, MBBS-BDSની વાર્ષિક ટ્યુશન ફી માત્ર રૂ.24 હજાર

શ્રમિક-કર્મચારીઓના સંતાનોને તબીબી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તક મળે તે માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા વિશેષ અનામત બેઠકોની યોજના અમલમાં છે. દેશભરની ESIC સંલગ્ન 17 મેડિકલ, 2 ડેન્ટલ, 2 નર્સિંગ અને 3 સરકારી કોલેજો સહિત કુલ 24 શૈક્ષણિક સંસ્થાઓમાં વીમિત કર્મચારીઓના સંતાનો માટે 887થી વધુ બેઠકો અનામત રાખવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદના નરોડા-બાપુનગર સ્થિત ESIC મેડિકલ કોલેજમાં કુલ 50 MBBS બેઠકોમાંથી 25 બેઠકો વીમિત કર્મચારીઓના સંતાનો માટે ફાળવવામાં આવી છે.

MBBSની 695 અને નર્સિંગની 60 બેઠકો વર્ષ 2012થી અમલી આ યોજના હેઠળ દેશભરમાં 695 MBBS, 28 BDS, 60 B.Sc. નર્સિંગ અને 104 પેરામેડિકલ, મળી કુલ 887થી વધુ બેઠકો પર વીમિત કર્મચારીઓના સંતાનોને પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદ ESIC મેડિકલ કોલેજની આ અનામત બેઠકોમાં ગત વર્ષે તમામ બેઠકો ભરાઈ ગઈ હતી, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આશરે 28 બેઠકો પર પ્રવેશ આપવામાં આવ્યો છે.

MBBS-BDS માટે વાર્ષિક ફી માત્ર રૂ.24 હજાર યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે પસંદગી પામેલા વિદ્યાર્થીઓ માટે MBBS અને BDS કોર્સની વાર્ષિક ટ્યુશન ફી માત્ર રૂ.24,000 છે. જ્યારે B.Sc. નર્સિંગ કોર્સ માટે વાર્ષિક ફી રૂ.10,000 રાખવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની કેપિટેશન ફી કે ડોનેશન લેવામાં આવતું નથી. જેના કારણે ખાનગી મેડિકલ કોલેજોની ઊંચી ફી ચૂકવવી મુશ્કેલ હોય તેવા શ્રમિક પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના મહત્વની તક બની શકે છે.

NEET પાસ કરવું ફરજિયાત, પહેલાં Ward of IP Certificate લેવું પડશે આ અનામત બેઠકોનો લાભ લેવા માટે વિદ્યાર્થીના વાલી ESI યોજના હેઠળ નોંધાયેલા સક્રિય વીમિત કર્મચારી હોવા જરૂરી છે. સાથે જ વિદ્યાર્થીએ NEET-UG પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. પાત્ર ઉમેદવારે સૌપ્રથમ ESICની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરીને ‘Ward of IP Certificate’ મેળવવાનું રહેશે. ત્યારબાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટીના પોર્ટલ પર ઓનલાઈન કાઉન્સેલિંગ માટે રજીસ્ટ્રેશન કરાવીને ઉપલબ્ધ અનામત બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે.