Gujarat

ડભોઇ સ્થિત ઐતિહાસિક તળાવમાં સેંકડો માછલીઓનાં રહસ્યમય મોત

ડભોઇ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક અને સૌથી મોટા તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાથી સ્થાનિકો અને પર્યાવરણ- પ્રેમીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં માછલીઓના અચાનક થઈ રહેલા મોત પાછળ કોઈ કુદરતી કારણ છે કે પછી ગેરકાયદેસર શિકારનું કોઈ મોટું કાવતરું, તે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ તળાવમાં લાખોની કિંમતની માછલીઓ રહેલી છે. સ્થાનિક સ્તરે એવી પ્રબળ આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે રાત્રિના અંધારાનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો અને માછલી ચોર ગેંગ તળાવમાં ઝેરી દવા અથવા કેમિકલ નાખી રહ્યા છે.

પાણીમાં ઝેર ફેલાતાં માછલીઓ બેભાન થઈને સપાટી પર આવે છે, જેમાંથી તગડી માછલીઓ ચોરી જવાય છે અને બાકીની સેંકડો માછલીઓ ઝેરની અસરથી તરફડીને મોતને ભેટે છે. સવાર થતાં જ તળાવના કિનારે મરેલી માછલીઓના ઢગલા જોવા મળે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સર્જાઈ છે.