જામનગર મહાનગરપાલિકાના કચરા ડમ્પિંગ પોઇન્ટમાં ફરી એકવાર ભયાનક આગ ભડકી ઊઠી છે. માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અગાઉ લાગેલી આગ અનેક દિવસો સુધી ધગધગતી રહી હતી, જેના કારણે આસપાસના રહીશોનું જીવવું હરામ થઈ ગયું હતું. આટલી મોટી હોનારત પછી પણ મનપાના પેટનું પાણી હલ્યું નથી અને આજે ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેનાથી શહેરના વાતાવરણમાં ગંભીર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે ચાર માસ પહેલાં જ્યારે પ્રથમ વખત ભયાનક આગ લાગી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવીને ડમ્પિંગ સાઇટ પર તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જોકે, મનપાના ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. કમિશનરના સૂચના છતાં આજદિન સુધી ત્યાં કેમેરા સેટ કરવામાં આવ્યા નહીં. અધિકારીઓની આ શંકાસ્પદ નીતિના કારણે આજે ફરીથી આગ લાગવાની ઘટના બની છે. જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોત, તો આગ લગાવનાર અસામાજિક તત્વો કે તેના પાછળના સાચા કારણો છતા થઈ શક્યા હોત.
સતત પ્રદૂષણ અને તંત્રની લાપરવાહીને પગલે અગાઉ જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા જામનગર મહાનગરપાલિકાને આકરી નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતાં મનપા શાસકો અને અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગવાનું નામ લેતા નથી. આગ લાગવાનું પાછળનું સાચું કારણ હજુ સુધી રહસ્યમય બની રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

