Gujarat

જૂનાગઢ-પોરબંદર 351 કરોડ મહાઠગાઈ કેસ

જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આચરાયેલા કુલ 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણીને જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો છે.

નાસતા-ફરતા લિસ્ટેડ ગુનેગારોને પકડવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત SOG ઇન્ચાર્જ પી.આઇ. કૃણાલ એમ. પટેલના નેતૃત્વ હેઠળ રચાયેલી ટીમે આ આંતરરાજ્ય ઓપરેશન પાર પાડ્યું હતું. જૂનાગઢ ખાતે 188 કરોડ તેમજ પોરબંદરમાં 163 કરોડના ફ્રોડ કેસના આ મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસ સમક્ષ હસતા ચહેરે રજૂ કરાયેલી તસવીર ચર્ચાનો વિષય બની છે.

3 બોગસ કંપનીઓ અને 21 બેંક ખાતાઓ દ્વારા 188 કરોડનું ટ્રાન્ઝેક્શન મુંબઈના કાંદીવલી ખાતે રહેતા 32 વર્ષીય આરોપી નૈતિક માવાણીએ તેના સહ-આરોપીઓ હિરલબા જાડેજા, સચીન મહેતા અને હીતેષ ઓડેદરા સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ નિર્દોષ વ્યક્તિઓને વિવિધ પ્રલોભનો આપી તેમની ઓળખનો ઉપયોગ કર્યો હતો અને વિઠ્ઠલ પલ્સ કોમોડીટીઝ, અર્હમ કોમોડીટી તેમજ ભરત એન્ટરપ્રાઇઝ નામની 3 બોગસ પેઢીઓ ઊભી કરી હતી.

ત્યારબાદ સાહેદોની જાણ બહાર ખોટા જીએસટી નંબર અને દસ્તાવેજો મેળવી અલગ-અલગ બેંકોમાં કુલ 21 કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આરોપીઓએ કોરા ચેકબુક અને RTGS ફોર્મ પર સહીઓ મેળવીને દેશભરમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી 188,03,19,281/- (188 કરોડથી વધુ) ની રકમ આ 22 બેંક એકાઉન્ટ્સમાં ફેરવી પૈસા સગેવગે કર્યા હતા.