Gujarat

જામનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજ ઝડપાયો

જામનગરમાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ખોડીયાર કોલોની વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 71,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં માસ્ટર આઈડી પૂરી પાડનાર સહિત ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે દરોડા પાડી ખોડીયાર કોલોની, જામનગરના રહેવાસી 29 વર્ષીય અંકુર મનોજભાઈ પરમારને પકડ્યો હતો. તેની પાસેથી રોકડા રૂ. 1,690 અને રૂ. 70,000ની કિંમતનો એપલ કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 71,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદ મુજબ, સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે, ખોડીયાર કોલોની મેઈન રોડ પર શેલ પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઈ મોબાઈલ દ્વારા સેશન અને મેચના હારજીતના સોદા કરાવી સટ્ટો ચલાવી રહ્યો હતો. આ બાતમીના આધારે દરોડો પાડતા અંકુર પરમાર ઝડપાઈ ગયો હતો. તેના મોબાઈલ ફોનની તપાસ કરતા ‘પારકર-777’ નામની માસ્ટર આઈડી મળી આવી હતી, જેમાં લાખો રૂપિયાનું બેલેન્સ દર્શાવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે આ માસ્ટર આઈડીમાંથી અલગ-અલગ ગ્રાહકોને જુગાર રમવા માટે સબ-આઈડી આપી હતી. તેણે અમદાવાદના અભિષેક રાજાણી, તેના એક મિત્ર અને વિશાલ ભારડદીયા સહિત અન્ય વ્યક્તિઓને જુદી જુદી મર્યાદાના બેલેન્સ સાથે આઈડી ફાળવી હતી. મોબાઈલના સ્ટેટમેન્ટમાં ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ મેચ ઉપરાંત અન્ય ક્રિકેટ મેચોના સોદા થયાના પુરાવા પણ મળ્યા છે.