Gujarat

પ્રજા પાસેથી દંડ વસૂલતું તંત્ર જ ગંદકી કરવામાં પાવરધી

મનપા દ્વારા સ્વચ્છતાના નામે સામાન્ય નાગરિકો અને વેપારીઓ પાસેથી કડક દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ‘બીજાને શિખામણ અને પોતે આંધણ’ જેવો ઘાટ ખુદ તંત્ર દ્વારા ઘડાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે.

શહેરના સૌંદર્યધામ લાખોટા તળાવની પાળે મનપા દ્વારા વૃક્ષોની ટ્રીમિંગ કામગીરી હાથ ધરાઈ હતી. કામગીરી દરમિયાન કાપેલી ડાળીઓમાંથી ઉપયોગી લાકડાં તંત્રના જવાબદારોએ બારોબાર ઉપાડી લીધા, પરંતુ કાપેલા પાંદડાઓનો મોટો કચરો બન્ને રસ્તાઓની વચ્ચે જ બિનવારસી છોડી દીધો છે. છેલ્લા ત્રણ દિવસથી પડેલા કચરાના ઢગલાથી વિસ્તારની સુંદરતા તો બગડી છે, પણ સાથે પવનના લીધે પાંદડાઓ વાહનચાલકો પર ઊડતાં અકસ્માતનો ભય પણ ઊભો થયો છે.

સામાન્ય નાગરિક ઘર કે દુકાન બહાર સહેજ કચરો કરે તો સોલિડ વેસ્ટ ટીમ તુરંત દંડ ફટકારવા પહોંચી જાય છે. ત્યારે મુખ્ય પર્યટન સ્થળ પાસે ગંદકી ખડકનાર મનપાના જવાબદારો સામે દંડ કોણ ફટકારશે..? સ્થાનિકોની માંગ છે કે તંત્ર બેવડા ધોરણો છોડી આ કચરો તુરંત હટાવે.