ડભોઈ શહેર અને તાલુકામાં આ વર્ષે અપૂરતો અને ઓછો વરસાદ પડ્યો હોવા છતાં જગતના તાતની મહેનત રંગ લાવી છે. તાલુકામાં ડાંગરનો પાક અત્યંત સારો થતાં ખેડૂતોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે દિવાળી પહેલાં ડાંગરની કાપણી (કટિંગ) પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે વરસાદ ખેંચાવાને કારણે પાક થોડો મોડો તૈયાર થયો છે.
હાલ સમગ્ર તાલુકામાં ડાંગરની કાપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જોકે આધુનિક મશીનોના વધતા વ્યાપને કારણે સ્થાનિક ખેતમજૂરોની રોજીરોટી પર મોટું સંકટ ઊભું થયું છે. ડભોઇ તાલુકામાં મુખ્ય પાક તરીકે ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે.
આધુનિક યુગમાં ખેતી ક્ષેત્રે આવેલી યાંત્રિક ક્રાંતિને કારણે હવે ખેડૂતો મજૂરોને બદલે હાર્વેસ્ટર મશીનો દ્વારા ડાંગરની કાપણી કરાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જે એક વીઘા જમીનમાં ડાંગરની કાપણી કરતા મજૂરોને ચાર દિવસ જેટલો સમય લાગે છે, તે જ કામ આધુનિક મશીન માત્ર એક જ કલાકમાં પૂર્ણ કરી આપે છે. સમય અને ખર્ચ બચતો હોવાથી મોટાભાગના ખેડૂતો મશીનો તરફ વળ્યા છે.
જોકે સ્થાનિક શ્રમિકો અને ગ્રામજનોનું માનવું છે કે જો ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી મજૂરો દ્વારા ડાંગરની કાપણી કરાવે, તો ગામના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરઆંગણે જ રોજીરોટી મળી રહે અને તેમનું ગુજરાન સરળતાથી ચાલી શકે.

