Gujarat

ડભોઈ પાસેના તળાવોમાં રંગબેરંગી કમળનું આકર્ષણ ઘટ્યું

ડભોઇથી વિશ્વ પ્રસિદ્ધ પક્ષી અભયારણ્ય વઢવાણા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા કુકડ અને કુકડ વસાહત વિસ્તારમાં નાના-મોટા કુદરતી તળાવો આવેલા છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં આ તળાવોમાં ખીલતા કેસરી, સફેદ અને અન્ય રંગબેરંગી કમળ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનતા હોય છે.

જોકે, આ વર્ષે ઓછા વરસાદ અને તળાવોમાં પાણીનું સ્તર ઘટી જવાને કારણે કમળના ફૂલોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનાથી પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓમાં નિરાશા વ્યાપી છે.

શિયાળાની શરૂઆત થતાં જ વઢવાણા પક્ષી અભયારણ્ય ખાતે વિદેશી યાયાવર પક્ષીઓને નિહાળવા માટે દેશ-વિદેશથી હજારો પર્યટકો ઉમટી પડે છે. વઢવાણા જતા રસ્તામાં જ કુકડ અને કુકડ વસાહતના આ તળાવોમાં ખીલેલા લાલ, કેસરી અને સફેદ કમળનો અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ અહીં અચૂક રોકાતા હતા અને ફોટોગ્રાફીની મજા માણતા હતા.

પરંતુ આ વર્ષે અપૂરતા વરસાદના કારણે તળાવોમાં પૂરતું પાણી ન ભરાતાં હવે માત્ર ગણતરીની જગ્યાએ જ કમળ જોવા મળી રહ્યા છે. સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે જો તંત્ર દ્વારા વઢવાણા પક્ષી અભયારણ્યના વિકાસની સાથે સાથે ડભોઇ-વઢવાણા રોડ પર આવેલા આ નાના-મોટા તળાવોને પણ ઊંડા ઉતારીને તેમાં નર્મદા કે કેનાલ મારફતે બારેમાસ પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવે, તો અહીં કુદરતી સૌંદર્ય વધુ ખીલી શકે તેમ છે.