જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશના વિભાજન દરમિયાન અસહ્ય પીડા અને સંઘર્ષનો સામનો કરનાર લાખો નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ થયેલા ભારતના વિભાજનની ઘટનાએ દેશના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી પીડા છોડી હતી. વિભાજનના કારણે લાખો પરિવારોને પોતાના ઘર, વતન અને મિલકત છોડીને વિસ્થાપિત થવું પડ્યું હતું. અનેક લોકોએ હિંસા, દુઃખ અને સંઘર્ષનો સામનો કર્યો હતો. આ સ્મૃતિ દિવસ વિભાજનની વિભીષિકાનો ભોગ બનેલા તમામ નિર્દોષ નાગરિકોના બલિદાન અને સંઘર્ષને યાદ કરવા માટે મનાવાય છે.
કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. આ ઉપરાંત, આગામી પેઢીને દેશના વિભાજનના ઇતિહાસ અને તે સમયની કરુણ પરિસ્થિતિથી અવગત કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલ, ઝવેરિભાઈ ઠકરાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

