પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના આલિયાવાડા-જામનગર બ્રોડગેજ ડબલ રેલલાઈન પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે રેલવે સુરક્ષા કમિશનરે મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ હવે આ રૂટ પર ટૂંક સમયમાં પેસેન્જર ટ્રેનો દોડતી થશે.
123 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આલિયાવાડા-જામનગરની નવી બનેલી બીજી રેલવે લાઈનનું વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઓબ્ઝર્વેશન કાર સાથે 123 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો હતો.

19.537 કિમી રેલવે લાઇનનું ડબલિંગ પૂર્ણ રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ આલિયાવાડા-જામનગર વચ્ચેનો 19.537 કિમી લાંબી રેલલાઈન સફળતાપૂર્વક કમિશન કરવામાં આવી છે. 111 કિમી લાંબા સમગ્ર રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાંથી અત્યાર સુધીમાં 84 કિમી રેલલાઈનનું ડબલિંગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
રેલવે અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. રેલવે અધિનિયમ, 1989 હેઠળની તમામ જરૂરી પ્રક્રિયાઓ સંતોષકારક જણાયા બાદ સુરક્ષા કમિશનરે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે.

નવી લાઈન પર ટ્રેનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેશે મંજૂરી મુજબ આલિયાવાડા-હાપા રેલખંડ પર નવી લાઇનમાં ટ્રેનોની મહત્તમ ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે હાપા-જામનગરની નવી અપ અને ડાઉન મેઇન લાઇન પર મહત્તમ ઝડપ 90 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

ટ્રેન વ્યવહાર વધુ સરળ બનશે આ ડબલિંગ કામ પૂર્ણ થતાં રાજકોટ-જામનગર-કાનાલુસ રૂટની રેલવે લાઇનની ક્ષમતામાં વધારો થશે. એકથી વધુ ટ્રેનોનું સંચાલન વધુ સરળ અને કાર્યક્ષમ રીતે કરી શકાશે. સાથે જ ભવિષ્યમાં વધનારા રેલવે ટ્રાફિકને પહોંચી વળવામાં મદદ મળશે અને ટ્રેન વ્યવહારની વિશ્વસનીયતા તથા કાર્યક્ષમતામાં પણ સુધારો થશે.

