વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ અમૃત મહોત્સવ દરમિયાન ગીરની સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ એક વિશેષ શોપીસ ભેટમાં આપવામાં આવ્યું હતું. “સોમનાથ અનંત ઊર્જાનો અનુભવ” શીર્ષક ધરાવતું આ શોપીસ ઊનની દોરી અને ખીલીઓની મદદથી હાથથી બનાવવામાં આવ્યું છે. આ અનોખું શોપીસ તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં આવેલા મધુરમ શોપીસ સેન્ટર ખાતે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
સોમનાથ અને સાસણની મુલાકાતે આવતા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય મહાનુભાવોને ગીરની યાદગીરી રૂપે આવા વિવિધ પ્રકારના આર્ટ શોપીસ વહીવટીતંત્ર દ્વારા ભેટ આપવામાં આવે છે.

મધુરમ શોપીસના સંચાલકો સુરેશભાઈ અને દિલીપભાઈ રૂપારેલિયા છેલ્લા 22 વર્ષથી મિશન મંગલમ યોજના હેઠળ બોરવાવ ગીર ખાતે આ હાથ બનાવટનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. તેમના દ્વારા તૈયાર કરાતા શોપીસ સાસણ સિંહ સદન પાસેની એક દુકાનમાં પ્રવાસીઓને પણ વેચવામાં આવે છે.

દિલીપભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળ સોમનાથ કે પર્યટન સ્થળ સાસણની મુલાકાતે આવતા કોઈપણ વીવીઆઈપીને તેમના શોપીસ શોપમાં તૈયાર થયેલી પ્રતિકૃતિ ભેટ આપવામાં આવે છે.

તાજેતરમાં સાસણ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ સખીમંડળ દ્વારા બનતા બેનમૂન શોપીસ વિશે સાંભળીને મધુરમ શોપીસની મુલાકાત લીધી હતી.

