છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા પોલીસે લોટીયા ચોકડી પાસેથી વીજ વાયર અને ટ્રાન્સફોર્મર ભરીને જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 6.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં વાહન ચોરી અને મિલકત સંબંધી ગુનાઓ ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ, વડોદરા વિભાગ અને પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખ, છોટાઉદેપુરની સૂચના મુજબ વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોડેલી ડીવિઝનના માર્ગદર્શન હેઠળ સંખેડા પીઆઈ જે.યુ.ગોહિલ અને તેમનો સ્ટાફ લોટીયા ગામના ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રજી. નંબર GJ-06-AX-3689 ધરાવતો ટાટા કંપનીનો ઓપન બોડી ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો.
ટ્રકની તપાસ કરતા તેમાંથી ટ્રાન્સફોર્મર અને વીજ વાયરોના ગુંચળા મળી આવ્યા હતા. ટ્રક ચાલક શરવન લાલ છીત્તર મલ ગુર્જર (ઉંમર 36, ધંધો: ભંગાર લે વેચ, રહે: 211, શ્રીજી દ્વાર વૈકુંઠ ટાઉનશીપ 1 પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર) પાસે આ માલના કોઈ બિલ કે દસ્તાવેજ ન હતા અને તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની અંગઝડતી લઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને કલમ 35(1)(ચ) મુજબ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

