Gujarat

દાધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પાસેથી પોલીસે રૂ.15 લાખના દારૂ સહિત 2 શખસને ઝડપ્યા

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બહારના રાજ્યમાંથી દારૂ ઘૂસાડવાનો વધુ એક પ્રયાસ ધંધુકા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પાસે હાઈવે પર ચેકિંગ ગોઠવી રાજસ્થાનથી આવી રહેલી એક ફોરવ્હીલ કાર અટકાવી હતી. પોલીસ તપાસમાં કારમાંથી ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો.

પોલીસે 180 એમએલની કાચ અને પ્લાસ્ટિકની કુલ 2020 બોટલો અને 500 એમએલના કિંગફિશર બિયર ટીન 207 જપ્ત કર્યા. દારૂની કિંમત રૂ.7,00,455 દર્શાવવામાં આવી છે. સાથે દારૂની હેરાફેરીમાં વપરાયેલી રૂ.8 લાખની કાર અને રૂ.30 હજારના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા.

કુલ મુદ્દામાલ રૂ.15,30,455નો થયો. કારમાં સવાર બંને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. પોલીસે પાંચારામ દેવારામ સુથાર અને શંકરલાલ પુનમારામ ગોદારા ઉર્ફે બિશ્નોઈની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસ મુજબ જથ્થો ગુજરાતમાં સપ્લાય માટે લાવવામાં આવી રહ્યો હતો. પોલીસ હવે આ દારૂ કોના માટે હતો, પાછળ નેટવર્ક છે કે નહીં અને અગાઉના સપ્લાય અંગે તપાસ આગળ ધપાવી રહી છે.