અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા, કોટવિસ્તાર સહિત પોશ વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ અને દારૂના અડ્ડાઓ મુદ્દે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યએ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી કેપ્સુલ સિસ્ટમ સામે વિરોધ નોંધાવી ઉકેલ લાવવા માંગ કરી હતી.
ઓવરબ્રિજ આયોજન અને દારૂના અડ્ડા મુદ્દે રજૂઆત જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે જ્યારે પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે ત્યારે બ્રિજ પ્રોજેક્ટની સાથે ટ્રાફિક પોલીસને પણ સાથે રાખવી જોઈએ જેથી યોગ્ય આયોજન થઈ શકે. આ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પણ ધારાસભ્યો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

