જામનગરમાં બિરાજમાન જૈનોના તમામ ફિરકાના સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં જામનગર જિલ્લાના વિહાર સેવા ગ્રુપના સભ્યોની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સન્માન સમારંભ દેવબાગ ઉપાશ્રયે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાઠશાળામાં બિરાજમાન આચાર્ય મેઘદર્શનસુરીશ્વરજી, મુનિ દિવ્યપદ્મવિજયજી, મુનિ દેવર્ષિવલ્લભવિજયજી સહિતના સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા.
રવિવાર, તા. 1-11-2026ના રોજ જામનગર વિહાર સેવા ગ્રુપ દ્વારા શાંતિભુવન ઉપાશ્રયેથી સવારે 8:45 કલાકે સાધુ-સાધ્વીજી તથા તમામ સંઘના શ્રાવક-શ્રાવિકાઓ સાથે વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ સંચાલિત યુવાનો-બાળકોના બેન્ડ સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જે ચાંદીબજારના ચાર ચોકના જિનાલયોએ દર્શન કરી કલ્યાણજીના મંદિર પાસે આવેલા દેવબાગ ઉપાશ્રયે પહોંચી હતી, જ્યાં ધર્મસભા અને સન્માન સમારંભ યોજાયો હતો.
દેવબાગ ઉપાશ્રયે સ્થાનકવાસી અને દેરાવાસી સહિત તમામ સંઘના સાધુ-સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ ભગવંતોએ જણાવ્યું હતું કે, હાઈ-વે પર બનતા અકસ્માતો રોકવા સમગ્ર ભારતમાં વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરાઈ છે. આ ગ્રુપના સભ્યો સવારે 4 વાગ્યે ઉઠીને સાધુ-સાધ્વીજી ભગવંતો સાથે 5 થી 15 કિ.મી. સુધી ચાલીને રક્ષણની સરાહનીય કામગીરી કરે છે.

