Gujarat

ઉનાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં કાર્યવાહી

ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા બે આરોપીઓને એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, 20 મે, 2026ના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં GUJCTOC એક્ટ-2015ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં અગાઉ બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા સહિત ત્રણ આરોપીઓ અન્ય ગુનાઓમાં જેલમાં છે. આ ઉપરાંત, બે આરોપીઓ લાંબા સમયથી ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલી રહી હતી.

જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા, પાસા, લાલશાહી અને ગુજસીટોકના આરોપીઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. તે અંતર્ગત, એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલના માર્ગદર્શન હેઠળ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

પોલીસે ફરાર આરોપીઓ રવિભાઈ બચુભાઈ બાંભણીયા (ઉંમર 22, રહે. કોબ, તાલુકો ઉના), જેની સામે અગાઉ કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે, તેમજ કીર્તીભાઈ રાજુભાઈ બાંભણીયા (ઉંમર 21, રહે. કોબ ઝાપા વિસ્તાર, તાલુકો ઉના), જેની સામે અગાઉ ચાર ગુનાઓ નોંધાયેલા છે, તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.