Gujarat

મહિધરપુરાના સબરસ ગરનાળા પાસેના ગેસ્ટહાઉસમાં દરોડો, બે ગ્રાહક અને મેનેજર સહિત 5 સામે ગુનો નોંધાયો

સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાં પોલીસ કન્ટ્રોલ રૂમની બાતમીના આધારે પોલીસે એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સબરસ ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટ હાઉસમાં ચાલતા આ દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે સફળ રેઇડ પાડીને બે ગ્રાહકો, ગેસ્ટ હાઉસના મેનેજરને ઝડપી પાડ્યા છે. જ્યારે બે મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. આ મામલે મહીધરપુરા પોલીસે અનૈતિક વ્યાપાર અધિનિયમ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કન્ટ્રોલ રૂમના મેસેજ બાદ પોલીસે પંચોને સાથે રાખી રેઇડ કરી પોલીસ સબ ઇન્સપેક્ટર બી.બી. કાતરીયાના જણાવ્યા અનુસાર, પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે મહીધરપુરાની હદમાં ગરનાળા પાસે સહયોગ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલે છે.

આ બાતમી સચોટ જણાતા મહીધરપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે સરકારી અને ખાનગી વાહનોમાં પોલીસ ટીમ રવાના થઈ હતી. રસ્તામાં ગોડાદરા વિસ્તારના બે પંચને સાથે રાખીને પોલીસે સહયોગ ગેસ્ટ હાઉસના પહેલા માળે દરોડો પાડ્યો હતો.

રિસેપ્શન પર રજીસ્ટરના બદલે કોરા કાગળમાં હિસાબ રખાતો પોલીસ જ્યારે ગેસ્ટ હાઉસના પહેલા માળે પહોંચી ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર મેનેજર મહમદ કરીમ મલેક (ઉં.વ. 41, રહે. ભરૂચ) હાજર મળી આવ્યો હતો. પોલીસે ગેસ્ટ હાઉસનું એન્ટ્રી રજીસ્ટર ચેક કરતા તેમાં છેલ્લી એન્ટ્રી વર્ષ 2025ની જોવા મળી હતી.

ચાલુ દિવસની કોઈ એન્ટ્રી રજીસ્ટરમાં કરવાના બદલે ગ્રાહકો પાસેથી લીધેલા રૂપિયા અને રૂમ નંબરનો હિસાબ એક કોરા કાગળમાં રાખવામાં આવતો હતો. ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરી શકે તે માટે Paytm નું QR કોડ સ્પીકર મશીન રાખવામાં આવ્યું હતું, જે સ્કેન કરતા માલિક જહીર નુર મહોમ્મદની પત્નીના નામે હોવાનું ખુલ્યું હતું.