Gujarat

જામનગર જિલ્લામાં વરસાદે ફરી પકડ્યું જોર

જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે ફરી જોર પકડતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધા ઇંચથી લઈને બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. તાલુકા મથકોમાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 23 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં 20 મી.મી., કાલાવડમાં 13 મી.મી., ધ્રોલમાં 11 મી.મી., જામનગરમાં 4 મી.મી. અને જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 12.33 મી.મી. રહ્યો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલમાં જણાવાયું છે.

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના પી.એચ.સી.વાર વરસાદના આંકડા મુજબ કાલાવડ તાલુકાના મોટાપાંચદેવડામાં સૌથી વધુ 48 મી.મી. (આશરે 2 ઇંચ) વરસાદ નોંધાયો છે. ઉપરાંત હડિયાણામાં 30 મી.મી., મોટી બાણુગારમાં 25 મી.મી., બાલંભા અને નવાગામમાં 15-15 મી.મી., અલીયાબાડા, જાળીયાદેવાણી અને જામવાડીમાં 12-12 મી.મી., જ્યારે મોટી ભલસાણ, ભલસાણ બેરાજ અને જામવંથલીમાં 10-10 મી.મી. વરસાદ નોંધાયો હતો. ફલ્લા, વાંસજાળીયા, ખરેડી, મોડપર, શેઠ વડાળા સહિતના અનેક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જ્યારે પીઠડ, પડાણા અને લૈયારા વિસ્તારમાં વરસાદ નોંધાયો નહોતો.