ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં નકલી પોલીસ આઈ-કાર્ડ સાથે ફરતા એક શખ્સને ઘોઘારોડ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગાંધીનગર S.I.T.ના PSI તરીકેનું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે બનાવટી કાર્ડ કબજે કરી ભુંભલીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે નકલી પોલીસ ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જવાહર મેદાનના લોકમેળામાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ નકલી પોલીસ આઈ-કાર્ડ સાથે મેળામાં ફરે છે અને જુદી જુદી રાઈડોમાં બેસીને મજા માણે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જગદીશ ડાહ્યાભાઈ મકવાણા નામના શખ્સને ઝડપી લીધો હતો.
ગાંધીનગર S.I.T.નું નકલી કાર્ડ મળ્યું પોલીસે ઝડપાયેલા શખ્સની તલાશી લેતાં તેની પાસેથી મોબીન ઈકબાલભાઈ સોડાગર નામનું ‘ગુજરાત પોલીસ’ ગાંધીનગર S.I.T.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ-કાર્ડ મળી આવ્યું હતું. રાજ્ય સેવકના ખોટા હોદ્દા તેમજ નામનો દુરુપયોગ કરીને નકલી આઈડી કાર્ડ સાથે મેળામાં ફરતા આ રત્નકલાકારની પોલ ખુલી ગઈ હતી.

