Gujarat

ઉત્તરસંડાના મઠિયા-ચોળાફળીની દેશ-વિદેશમાં ઓળખ

દિવાળીના તહેવારની ઉજવણી ગુજરાતી મઠિયા અને ચોળાફળી વિના અધૂરી ગણાય છે. ત્યારે શ્રેષ્ઠ મઠિયા, ચોળાફળી અને પાપડના ઉત્પાદન માટે ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલું ઉત્તરસંડા ગામ વિશ્વભરમાં જાણીતું બન્યું છે. અહીંની ખાસ આબોહવા અને પાણીની વિશેષતાને કારણે તૈયાર થતી ખાદ્ય ચીજોનો સ્વાદ અલગ જ હોય છે. આ જ ખાસિયતને કારણે ઉત્તરસંડાના મઠિયા અને ચોળાફળીએ સ્થાનિક બજારથી લઈને વિદેશ સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

દિવાળીના છ મહિના અગાઉથી ઉત્પાદનની તૈયારીઓ ઉત્તરસંડામાં આખું વર્ષ ગૃહ ઉદ્યોગો દ્વારા પાપડનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મઠિયા અને ચોળાફળીનું ઉત્પાદન છ મહિના અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. તહેવારો દરમિયાન સ્થાનિક બજાર ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી આ વાનગીઓ પહોંચાડવા માટે મોટા પાયે ઉત્પાદન અને પેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગામમાં આવેલી અંદાજે 40થી 50 ફેક્ટરીઓ અને ઉત્પાદન એકમોમાં અત્યારથી જ કામકાજની ધમધમાટ જોવા મળી રહી છે.

1000થી વધુ મહિલાઓને મળી રહી છે રોજગારી મઠિયાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવેક પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ઉત્તરસંડા અને આસપાસના વિસ્તારોની 1000થી વધુ મહિલાઓને આ ઉદ્યોગના માધ્યમથી સીધી રોજગારી મળી રહી છે. મહિલાઓ પોતાની કુશળતા અને મહેનતથી મઠિયા, ચોળાફળી સહિતની વિવિધ વાનગીઓ તૈયાર કરે છે. આ ગૃહ ઉદ્યોગ મહિલાઓ માટે આર્થિક આધાર બનવાની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવી રહ્યો છે. મહિલાઓની કારીગરીના કારણે ઉત્તરસંડાની આ પરંપરાગત ઓળખ પેઢી દર પેઢી આગળ વધી રહી છે.