જામનગર સહિત રાજ્યભરના લેન્ડ રેકોર્ડ વિભાગ (વર્ગ-3)ના કર્મચારીઓ 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે તેમની હડતાળનો બીજો દિવસ છે. લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા તેમણે આ માર્ગ અપનાવ્યો છે.
આ હડતાળને કારણે સરકારી કચેરીઓમાં જમીન માપણી અને રેકોર્ડ સંબંધિત કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જેના લીધે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કર્મચારી મંડળે અગાઉ 11 ઓગસ્ટે સરકારને આવેદનપત્ર આપીને 30 દિવસમાં પ્રશ્નોના ઉકેલની માંગ કરી હતી. સમયસર કોઈ પરિણામ ન મળતા કર્મચારીઓએ તબક્કાવાર ‘પેન ડાઉન’ અને ‘માસ સીએલ’ જેવા વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળતા આખરે કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સિનિયર સર્વેયર સંવર્ગનો પગાર વધારવાનો સમાવેશ થાય છે. હાલનું પગાર ધોરણ રૂ. 29,200–92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે-2800) થી વધારીને રૂ.39,900–1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7, ગ્રેડ પે-4400) કરવાની તેમની માંગ છે. આ ઉપરાંત, સર્વેયર સંવર્ગનું હાલનું પગાર ધોરણ રૂ. 25,500–81,100 (પે મેટ્રિક્સ લેવલ-4, ગ્રેડ પે-2400) થી વધારીને રૂ. 29,200–92,300 (પે મેટ્રિક્સ લેવલ-૫, ગ્રેડ પે-2800) કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

કર્મચારીએ જણાવ્યું કે, જામનગર લેન્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છીએ. અમારી મુખ્ય માંગણી ટેકનિકલ કામગીરીને લગતી છે. સર્વેયરને અને સિનિયર સર્વેયરને ગ્રેડ પેમાં વધારો મળવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે, આ માંગણીઓને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી અમારે અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ફરજ પડી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

