ગુજરાત સચિવાલયમાં સરકારી ફાઇલોના ઝડપી નિકાલ માટે અમલમાં મુકાયેલી ઝીરો પેન્ડન્સી નીતિમાં વ્યવહારુ સુધારા કરવાની માગ ઊઠી છે. ગુજરાત સેક્શન ઓફિસર એસોસિયેશનના બિન્દેશ ગોસાઈએ જણાવ્યું છે કે, દરેક ફાઇલ માટે સાત દિવસની એકસમાન સમયમર્યાદા રાખવાને બદલે ફાઇલના પ્રકાર, કામની જટિલતા અને વાસ્તવિક કાર્યકારી સ્થિતિને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. આ મુદ્દે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનનું કહેવું છે કે સરકારી ફાઇલોના ઝડપી નિકાલની સાથે નિર્ણયની ગુણવત્તા અને નિયમોનું પાલન પણ એટલું જ મહત્ત્વનું છે. માત્ર આંકડાકીય રીતે ફાઇલોનો નિકાલ વધારવાને બદલે દરેક કેસમાં યોગ્ય તપાસ, નિયમોની ચકાસણી અને ગુણવત્તાયુક્ત નિર્ણય પર ભાર મૂકવો જોઈએ.
રજાના દિવસો માટે કર્મચારીઓને જવાબદાર ન ગણવા માગ ઝીરો પેન્ડન્સી નીતિના અમલમાં કર્મચારીઓની વાસ્તવિક કાર્યકારી સ્થિતિને ધ્યાનમાં લેવાની માગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ, મંજૂર રજાના દિવસો દરમિયાન ફાઇલનો નિકાલ ન થઈ શક્યો હોય તો તેના માટે સંબંધિત કર્મચારીને પેન્ડન્સી માટે જવાબદાર ગણવા જોઈએ નહીં. કર્મચારીના નિયંત્રણ બહારનાં કારણોસર અટકેલી ફાઇલોને પણ અલગ કેટેગરીમાં દર્શાવવી જોઈએ, જેથી કામમાં વિલંબ થવાના વાસ્તવિક કારણો સ્પષ્ટ થઈ શકે.

