Gujarat

દિવાળી પર્વે સુરતમાં નવી ચલણી નોટોની ભારે અછત

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો 10, 20, 50 રૂપિયા સહિતની નવી નોટોની માંગ વધતી હોય છે. દર વર્ષે RBI તરફથી જે નવી કરન્સી ફાળવવામાં આવતી હતી તે મુજબ આ વર્ષે ખૂબ ઓછી માત્ર 10% જ ફાળવણી કરવામાં આવી છે જે કારણોસર ગુજરાત કો-ઓપ. ફેડરેશન તેમજ સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન અને વરાછા બેંક સહિત વિવિધ બેંકો દ્વારા આ અંગે આરબીઆઈ માં પત્ર લખી નવી કરન્સી ની ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી છે.

આ કટોકટીના કારણે તહેવારોના સમય માં બેંકો લોકોને નવી કરન્સી ફાળવી શકશે નહીં. જેથી નવી કરન્સી નો આગ્રહ ઓછો રાખે તે ખાસ અપીલ કરવામાં આવી છે.

દિવાળી અને તહેવારોની સિઝનમાં સુરતના વેપાર-ઉદ્યોગ અને સામાન્ય નાગરિકોમાં નવી નક્કોર ચલણી નોટોની ભારે માંગ રહેતી હોય છે. જોકે, ચાલુ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી અપૂરતો ક્વોટો ફાળવાતા બેંકો મુશ્કેલીમાં મુકાઈ છે. દક્ષિણ ગુજરાતની મલ્ટિ-સ્ટેટ શિડ્યુલ્ડ વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા આ મામલે સુરત કો-ઓપરેટિવ બેંક્સ એસોસિએશન (SCOBA) સમક્ષ લેખિત પત્ર મોકલી આરબીઆઇમાં મધ્યસ્થી કરવા રજૂઆત કરવામાં આવી છે.

ગ્રાહક સંખ્યાના પ્રમાણમાં નવો ક્વોટો ફાળવવા માંગ વરાછા કો-ઓપરેટિવ બેંકના જનરલ મેનેજર-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી. બી. ધાનાણી દ્વારા સ્કોબાના પ્રમુખને પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બેંક 5.50 લાખથી વધુ ગ્રાહકો ધરાવે છે અને તેની ડિપોઝિટ ₹4,500 કરોડથી વધુ તેમજ એડવાન્સિસ ₹2,900 કરોડ જેટલી છે. તહેવારોમાં શુકન, બોનસ અને ભેટ-સોગાદ આપવા માટે ગ્રાહકો તરફથી નવી ચલણી નોટોની સતત ભારે માંગ આવી રહી છે.