હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાત પર એકસાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ આગાહી જાહેર કરી છે. વિવિધ વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે મેઘરાજા આગામી દિવસોમાં તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ ચોમાસાની મુખ્ય લાઇન સમગ્ર રાજ્યમાંથી પસાર થઈ રહી હોવાના કારણે આગામી ૨૪ કલાક ખૂબ જ કટોકટીભર્યા બની રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર કુદરતનો પ્રકોપ જાેવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘રેડ ઍલર્ટ‘
હવામાનની ગંભીર પરિસ્થિતિને જાેતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૮ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ‘ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરુચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને ઍલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ પવનના સુસવાટા અને કડાકા-ભડાકા સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને જાેતા મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ૪૦થી ૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યમાં આવતીકાલે પણ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં નવસારી, સુરત, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે મેઘમહેરની શક્યતાઓ છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૪૦થી ૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાએ મહેર કરી છે.રાજ્યના તમામ ભાગોને ચોમાસાએ હવે સંપૂર્ણપણે આવરી લીધા છે.

