Gujarat

અમદાવાદ-ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર SMCની રેડ

રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અલગ-અલગ શહેરોના કેફેમાં નિકોટીનયુક્ત હુક્કાબાર ધમધમી રહ્યા હોવાની માહિતીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં રાજ્ય પોલીસવડાની સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. સ્થાનિક પોલીસની જાણ બહાર જ ગાંધીનગરમાં ઇન્ફોસિટી અને અમદાવાદમાં ચાંદખેડા, ગુજરાત કોલેજ રોડ, સિંધુભવન રોડ પર આવેલા કેફેમા બરોડા પાડી મોટી સંખ્યામાં હુક્કાઓ અને પીનારા લોકો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી હુક્કાબાર ચલાવનારા સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે.

સ્થાનિક પોલીસ હુક્કાબાર પર કાર્યવાહી ન કરતી હોવાના પગલે રાજ્ય પોલીસ વડાએ સીધી સ્ટેટ મોનેટરિંગ સેલને સૂચના આપી આ કાર્યવાહી કરવી છે. ઝુંડાલ સર્કલના કિંગ્સ કેફેમાંથી હુક્કાબાર ઝડપાયો રાજ્ય પોલીસવડા જી. એસ. મલિક દ્વારા અપાયેલી સૂચના મુજબ સ્ટેટ મોનેટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત બીજી વખત હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું છે.

ઝુંડાલ સર્કલ પાસે આવેલા શ્રી ખોડીયાર કાઠીયાવાડી હોટેલ નજીક કિંગ્સ કેફેમાં હુક્કાબારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાફેના માલિક સાવનકુમાર દલપતભાઈ પરમાર (રહે. ઉપવન રેસિડેન્સી, ચાંદખેડા) તથા કાઉન્ટર સંભાળનાર અને હુક્કાના ફ્લેવર બનાવી હુક્કા તૈયાર કરનાર મળી 3 લોકો મળી આવ્યા હતા. પોલીસે હુક્કા, ચિલમ, અલગ-અલગ ફ્લેવરના પેકેટ સહિત હુક્કાબારનો સામાન કબજે કર્યો હતો.