જૂનાગઢના ભેસાણ તાલુકાના સુખપુર ગામે તાજેતરમાં થયેલી રૂ. 3.85 લાખના સોના-ચાંદીના દાગીનાની સનસનાટીભરી ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. સુખપુર ગામના રહેવાસી મયૂરભાઈ દિલસુખભાઈ પટોળીયાના બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
તસ્કરોએ બંધ મકાનની જાળીની લોખંડની પટ્ટીઓ ઉચકાવીને મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલા કિંમતી પેટારાનો નકુચો તોડી તેમાં રાખેલા સોનાનો હાર, સોનાનો ચેઇન, સોનાની રાણી માળા, સોનાની વીંટીઓ તથા ચાંદીનો કંદોરો અને દુકાનનો દસ્તાવેજ મળી કુલ રૂ. 3,85,000 ની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

ચોરી કરનાર ટોળકી ઝડપાઈ આ બનાવ અંગે મકાન માલિકની ફરિયાદના આધારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ તપાસ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ખાનગી બાતમીદારો પાસેથી મળેલી સચોટ હકીકત તેમજ ટેક્નિકલ સોસના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ગુનો આચરનાર તમામ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

