જુનાગઢ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કામગીરીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોનું તબક્કાવાર ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત જુનાગઢ રેન્જ આઇ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જુનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. આ તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ સ્ટેશનની સમગ્ર કામગીરી, વિવિધ દફતરી રેકોર્ડ તેમજ સ્ટાફની સજ્જતાની બારીકાઈથી સમીક્ષા કરી હતી.

ગુનાખોરી અટકાવવા નાઇટ પેટ્રોલિંગ વધારવા સૂચના રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સ્થળ પર હાજર રહીને ક્રાઇમને લગતા રેકોર્ડ, વહીવટી રેકોર્ડ તથા ગુપ્ત રેકોર્ડ સહિતના તમામ અગત્યના કાગળો અને રજિસ્ટરોની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોનો રોલ કોલ લેવામાં આવ્યો હતો. આ વાર્ષિક તપાસણી વેળાએ જુનાગઢ જિલ્લા એસપી તથા ડીવાયએસપી પણ ખાસ હાજર રહ્યા હતા.

અધિકારીઓ દ્વારા ગુનાઓનું ડિટેક્શન વધારવા, ગુનાખોરી અટકાવવા માટે પ્રિવેન્શન પગલાં લેવા, નાઇટ રાઉન્ડ વધુ સઘન બનાવવા તેમજ સામાન્ય નાગરિકોની સેવા, સુરક્ષા અને સલામતી માટે જરૂરી એવી તમામ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને વિશેષ સૂચનાઓ આપીને સ્ટાફને માર્ગદર્શિત કરવામાં આવ્યો હતો.

