Gujarat

સેન્ટ ઝેવિયર્સ કોલેજે રાતોરાત હાજરીના નિયમમાં ફેરફાર કરતા વિદ્યાર્થી-વાલીઓ પરેશાન

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પરીક્ષાના 24 કલાક પહેલાં જ 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાનો ઇનકાર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. પરીક્ષાની તૈયારી કરવાના સમયે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ કોલેજ અને યુનિવર્સિટીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તો અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડવાની ભીતિ વચ્ચે કોલેજના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અચાનક જ કડક નિયમો કરી દેવામાં આવ્યો હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કરી ભારે નારાજગી વ્યક્ત કરી છે.

પરીક્ષા શરૂ થવાના 24 કલાક પહેલા જ નિયમમાં ફેરફાર કરાયો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવતીકાલથી કેટલાક સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. જો તેના 24 કલાક પહેલા કોલેજ દ્વારા એક નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી એટલે કે 19 નવેમ્બરથી કેટલાક સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાનો નિર્ણય કરી હોલ ટિકિટ જાહેર કરવામાં આવી નથી.

તેમજ અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવે તો તેમનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ ઊભી થઈ છે. જો કે અગાઉ 65 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અચાનક 75 ટકા હાજરી ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. નિયમ પ્રમાણે બે દિવસ પહેલા હોલ ટિકિટ આપવામાં આવતી હોય છે પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા 24 કલાક પહેલા હોલ ટિકિટ જાહેર કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.