ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વચ્ચે મુસાફરો માટે એક ખુબ મોટા અને સારા સમાચાર આવ્યા છે જેમાં, રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા સપ્તાહમાં છ દિવસ કાર્યરત રહેશે, જે બંને રાજ્યોના મુસાફરો માટે યાત્રાને વધુ સુવિધાજનક બનાવશે.
આ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી સવારે ૬:૧૦ વાગ્યે ઉપડી, બપોરે ૧:૪૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેનથી શ્રીનાથજી જતા ભક્તો તેમજ ગાંધીનગર સચિવાલય કે અન્ય કામ અર્થે જતા વેપારીઓ અને લોકોને ઘણો ફાયદો થશે. પ્રવાસન અને વેપાર ક્ષેત્રને પણ આ નવી ટ્રેન સેવા દ્વારા વેગ મળશે. ઉદયપુરથી પરત ફરતી વખતે, આ ટ્રેન સાંજે ૩:૩૦ વાગ્યે ઉપડીને રાત્રે ૮:૦૦ વાગ્યે અમદાવાદ પહોંચશે, જે ખાસ કરીને ગાંધીનગરથી પરત ફરતા મુસાફરો માટે અત્યંત લાભદાયી નીવડશે.
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ઉપરાંત, વલસાડ અને સુરત વચ્ચે નવી દૈનિક મેમુ ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન વલસાડથી બપોરે ૧:૨૦ વાગ્યે ઉપડી સાંજે ૪:૪૦ વાગ્યે સુરત પહોંચશે. આ વધારાની ટ્રેન સેવા દૈનિક અપડાઉન કરતા હજારો મુસાફરોને સુવિધા પૂરી પાડશે અને તેમની યાત્રાને સરળ બનાવશે. આ બંને નવી રેલવે સેવાઓથી પ્રાદેશિક કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.

