વડોદરાની સરકારી એસ.એસ.જી. હોસ્પિટલના કાન-નાક-ગળા અને હેડ-નેક સર્જરી વિભાગને હવે અત્યાધુનિક ‘સ્માર્ટ નેવ સિસ્ટમ’થી સજ્જ કરવામાં આવ્યો છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.જી.ઐયરના માર્ગદર્શન હેઠળ આજે આ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટનના દિવસે જ આ નવી સિસ્ટમની મદદથી ઝાલોદના રહેવાસી એક વર્ષ અને નવ મહિનાના નાના બાળકનું કોકલીયર ઈમ્પ્લાન્ટેશનની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક સ્માર્ટ નેવ સિસ્ટમ એક વાયરલેસ નેવિગેશન સિસ્ટમ છે જે કોકલીયર ઈમ્પ્લાન્ટના ઇલેક્ટ્રોડને અંતઃકરણની સુક્ષ્મ નળી (સ્કેલા ટિમ્પેની)માં યોગ્ય અને સુરક્ષિત રીતે મૂકવામાં મદદ કરે છે. આનાથી સર્જરી વધુ સચોટ અને સુરક્ષિત બને છે. હાલમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં રાજ્ય સરકારની RBSK યોજના અંતર્ગત જન્મજાત બહેરા બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે.
તપાસ, સર્જરી અને સ્પીચ રીહેબિલિટેશન વિનામૂલ્યે ઉપલબ્ધ ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર માટે આશરે 9 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ થાય છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આ સમગ્ર પ્રક્રિયા- તપાસ, સર્જરી અને સ્પીચ રીહેબિલિટેશન – સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. છતાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં આ સુવિધાની જાણકારી ઓછી હોવાથી અનેક બાળકો સમયસર સારવારથી વંચિત રહી જાય છે.
બાળકોના માતા-પિતાને સમસર સારવાર કરાવવા અપીલ આ સુવિધા રૂપિયા 4.75 લાખ ખર્ચે આ સ્માર્ટ નેવ સિસ્ટમ લાવવામાં આવી છે. આ સાથે એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા આખા ગુજરાતમાં આવી અત્યાધુનિક સુવિધા ધરાવતી પ્રથમ સરકારી તબીબી સંસ્થા બની છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, સરકારી મેડિકલ કોલેજોમાં પૂર્ણ સમયના નિષ્ણાત ઓડિયોલોજિસ્ટ્સની સંખ્યા અને તેમના પગારમાં વધારો કરવામાં આવે તો આવા જાહેર કલ્યાણકારી કાર્યક્રમોને વધુ વેગ મળી શકે છે.

