Gujarat

તાલાલાના હિરણ-2 ડેમમાં મગર બાળકને ખેંચી ગયો

તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલા હિરણ-2 ડેમમાં એક મગરે 11 વર્ષના માસૂમ બાળકને પાણીમાં ખેંચી લીધો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

કરચલા પકડવા ગયા દરમિયાન બની દુર્ઘટના મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનો એક પરપ્રાંતીય મજૂર પરિવાર વર્ષ 2022થી ઉમરેઠી ગામ પાસે રહીને મજૂરી કામ કરે છે. આ પરિવારનો 11 વર્ષનો પુત્ર શંકર ડેમના ‘કારગીલ વિસ્તાર’ તરીકે ઓળખાતા ભાગમાં અન્ય એક બાળક સાથે કરચલા પકડવા માટે ગયો હતો. આ દરમિયાન ડેમ કાંઠે અચાનક એક મગરે શંકર પર હુમલો કર્યો હતો અને તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.

બાળકની શોધખોળ માટે વહીવટી તંત્ર દોડતું થયું ઘટના સમયે શંકર સાથે હાજર અન્ય બાળકે તાત્કાલિક દોડીને તેના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારે ત્વરિત ગામના સરપંચ જયદીપભાઈ જોટવાનો સંપર્ક કર્યો હતો, જેમણે તાલાલા પોલીસ, વન વિભાગ અને મામલતદારને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા. માહિતી મળતાની સાથે જ તાલાલા મામલતદાર, પોલીસ અને વન વિભાગનો કાફલો ઉમરેઠી ગામે ડેમ સાઇટ પર પહોંચી ગયો હતો.