માણાવદરમાં આવેલા અનસૂયા ગૌધામની અક્ષર પાર્ક સોસાયટીના ગોપી મંડળ અને સરદારનગરના હરિધામ એપાર્ટમેન્ટના મહિલા મંડળ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આયોજિત આ મુલાકાત દરમિયાન મહિલાઓએ ગૌમાતાના દર્શન કર્યા હતા અને સંસ્થા દ્વારા ચાલતા વિવિધ સેવાકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાતી મહિલાઓએ ગૌધામના વ્યવસ્થાપન અને સ્વચ્છતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, અનસૂયા ગૌધામ જેવી સુંદર સગવડ, સ્વચ્છતા અને પવિત્રતા અન્ય ગૌશાળાઓમાં જોવા મળતી નથી. ગૌધામમાં પશુઓને નીરણ-પાણી આપવા, સફાઈ અને સ્વાસ્થ્યની સંભાળ માટે અલગ-અલગ સેવકો તૈનાત છે, જે સંસ્થાના ઉત્કૃષ્ટ આયોજનનો પુરાવો છે. અહીં ગૌસેવા માટે કોઈ વ્યાપારી પ્રવૃત્તિ થતી નથી.
આ ગૌધામ માત્ર પશુસેવા જ નહીં, પરંતુ માનવસેવામાં પણ સક્રિય છે. સંસ્થા દ્વારા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે નિયમિતપણે મફત ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, પ્રસૂતિ બાદની સુવાવડી બહેનો માટે ખાસ પૌષ્ટિક આહારના પેકિંગ અને દૂધ પહોંચાડીને તેમની વિશેષ કાળજી લેવાય છે.

ગૌધામના સેવાકાર્યોથી પ્રભાવિત થયેલા મહિલાઓએ જણાવ્યું કે તેમને અહીં આવીને અદભુત આનંદ મળ્યો છે અને તેઓ ભવિષ્યમાં પણ અવારનવાર મુલાકાત લેવા ઈચ્છે છે. અંતમાં, સમગ્ર મહિલા મંડળે ગૌધામના સંચાલકોને આશીર્વાદ પાઠવ્યા હતા.

