નીટ પેપર લીક મામલે ન્યાયની માંગ સાથે મરણિયાં બનેલા સોનમ વાંગચૂક દ્વારા શરૂ કરાયેલી આમરણ ઉપવાસ ભૂખ હડતાલને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે આ રાષ્ટ્રીય આંદોલનના સમર્થનમાં હવે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર તેમજ સમર્થકો શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘા ગેઇટ ચોક અને મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો સાથે સોનમ વાંગચૂકના સમર્થનમાં આવ્યા હતા.
દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને પર્યાવરણવિદ્ સોનમ વાંગચૂકના સમર્થનમાં હવે ભાવનગરના યુવાનો અને આગેવાનો પણ મેદાને આવ્યા છે, નીટ (NEET) પરીક્ષાનું પેપર ફૂટવાના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનને સમર્થન આપવા માટે ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નીટ પેપર લીક મામલે ન્યાયની માંગ સાથે સોનમ વાંગચૂક છેલ્લા 20 દિવસથી અન્નનો ત્યાગ કરી ભૂખ હડતાલ પર બેઠા છે. દેશભરમાંથી અનેક નામાંકિત વ્યક્તિઓ અને સંગઠનો આ આંદોલનને ટેકો આપી રહ્યા છે, જેમાં CJP ના અભિજીત દિપકે સહિતના અગ્રણીઓ પણ જોડાયા છે.
આ રાષ્ટ્રીય મુદ્દાના સમર્થનમાં ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર તેમજ અન્ય સમર્થકો દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘા ગેઇટ ચોક અને મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો રાખીને સોનમ વાંગચૂકને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું..

