Gujarat

પાટડીના સિદ્ધસર ગામેથી વાહનચોરીનો ભેદ ઉકેલાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સિદ્ધસર ગામે આરોપીના રહેણાંક મકાનેથી ચોરી કે છળકપટથી મેળવેલા બે વાહનો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.3.75 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે આરોપીને માલવણ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

LCBના દરોડામાં CNG રિક્ષા અને પલ્સર બાઇક મળી આવી પોલીસ કોન્સ્ટેબલ અનવરખાન અને પોલીસ કોન્સ્ટેબલ વીરપાલાસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિદ્ધસર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના રહેણાંક મકાનેથી એક CNG રિક્ષા અને એક પલ્સર મોટરસાઇકલ મળી આવી હતી.

પોલીસે CNG રિક્ષા કિંમત રૂ.3.50 લાખ અને પલ્સર મોટરસાઇકલ કિંમત રૂ.25 હજાર મળી કુલ રૂ.3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પાટડીના સિદ્ધસર ગામે રહેતા ગિરીશભાઈ ભાનુભાઈ પંચોલીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસના જણાવ્યા મુજબ, કબજે કરાયેલા વાહનો પૈકીના વાહનો ચોરી કે છળકપટથી મેળવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ઝડપી પાડવામાં આવેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ અને કાર્યવાહી માટે માલવણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.