જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવાના નિર્ણય સામે ચાલી રહેલા અન્નત્યાગ સત્યાગ્રહ આંદોલનના બીજા દિવસે એક ઉપવાસી ખેડૂત નીરા મહારાજની તબિયત અચાનક લથડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સ્થળ પર હાજર લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેમને વધુ ગહન સારવાર અર્થે જોડિયા ખાતેના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી ગામમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં સ્થિત મંદિર પરથી વીજલાઇન પસાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીનો વિરોધ કરીને પોતાના ધાર્મિક સ્થળ અને ખેડૂતોના હકની રક્ષા કરવા માટે નીરા મહારાજ ગઈકાલથી અન્નનો ત્યાગ કરીને સત્યાગ્રહ પર બેઠા હતા.
બીજા દિવસે સતત અન્નત્યાગના કારણે નીરા મહારાજની શારીરિક સ્થિતિ અચાનક બગડી હતી, આથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત અન્ય ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે દોડધામ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ વણસતાં ગ્રામજનોએ તુરંત જ ઇમર્જન્સી રિસ્પોન્સ સર્વિસ 108 ને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટુકડીએ સ્થળ પર પહોંચી નીરા મહારાજને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જોડિયાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી છે.

