Gujarat

5.43 લાખ હેક્ટરથી વધુ વાવેતર પર તોળાતું સંભવત સંકટ

ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ અડધી વિતી જવા આવી હોવા છતાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાઓ પર મેઘરાજાની કૃપા વરસવાને બદલે રૂષણા જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યના 34 જિલ્લાઓ પૈકી સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને આમ જનતા ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે. આકાશમાં કાળાદિબાંગ વાદળો છવાય છે પરંતુ વરસ્યા વગર જ વિખેરાઈ જતા હોવાથી સમગ્ર પંથકમાં વર્તમાન તબકકે જાણે કે દુષ્કાળ જેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અડધાથી વધુ ચોમાસું વિતવા છતાં મેઘમહેર ન થતાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યાના એંધાણદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો સરેરાશ માત્ર 6.41 ટકા જ વરસાદ નોંધાયો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો છે. જયારે બાજુના જામનગર જિલ્લામાં પણ હાલ સ્થિતિ બહુ સાનુકૂળ નથી, ત્યાં પણ અત્યાર સુધીમાં માત્ર 28.88 ટકા વરસાદ જ થયો છે. આ બંને જિલ્લાઓમાં કુદરતની ખફગીને કારણે નદીઓ, નાળા, તળાવો અને ચેકડેમો મહદઅંશે હજુય ખાલીખમ પડ્યા છે.