જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર ખાતેથી છેલ્લા પાંચ દિવસથી ભયનું વાતાવરણ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં મોટી સફળતા મેળવી છે. શહેરના જૂના મામલતદાર કચેરી વિસ્તાર પાસે દીપડાએ ધામા નાખ્યા હતા અને પાંચ દિવસ પહેલાં તેણે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

વન વિભાગની ટીમે પાંજરા ગોઠવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દીપડા અને માનવ વચ્ચે વધુ કોઈ સીધો સંપર્ક ન થાય તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી છેલ્લા પાંચ દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ચાર જેટલા પાંજરા ગોઠવીને રાત-દિવસ સતત દેખરેખ રાખી હતી.
અવિરત પાંચ દિવસની ભારે જહેમત અને મથામણ બાદ આખરે દીપડો પાંજરે પુરાઈ જતાં વન વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિક ગ્રામજનો પણ ભયમુક્ત થઈને રાહત અનુભવી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને સુરક્ષિત રીતે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

